આ યુવક છેલ્લા 25 વર્ષથી સોમનાથમાં હરતું ફરતું નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવીને ભૂખ્યા લોકોની ભુખ શાંત કરવાનું કામ કરી રહ્યા છે.

admin

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ, જે તેમનું આખું જીવન સેવા કરવા પાછળ જ વિતાવી દેતા હોય છે. દરેક લોકો જાણે જ છે કે સોમનાથ મંદિરમાં બિરાજમાન મહાદેવના દર્શન કરવા માટે ભક્તો દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને દરેક ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.

આજે આપણે એક એવા જ ભક્ત વિષે વાત કરીશું જે ભક્ત પ્રભાસ પાટણ જી. ઈ.બી કોલોની માં રહેતા હતા. આ ભક્તનું નામ રવિન્દ્રભાઇ આલાભાઇ વાણવી છે. રવિન્દ્રભાઈ અને તેમના પત્ની લાભુબેન વાણવીએ છેલ્લા ૨૫ વર્ષથી ભક્તોની અનેરી સેવા કરવાનું કામ શરૂ કર્યું હતું. રવિન્દ્રભાઈ કોઈ પણ પ્રકારનું દાન લીધા વગર વર્ષ 1998 થી હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે.

રવિન્દ્રભાઈ સોમનાથ પરિસર પાસે વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. રવિન્દ્રભાઇએ તેમના વિષે જણાવતા કહ્યું હતું કે તે પ્રભાસ પાટણ 66 કે.વી. જી. ઈ.બી માં છેલ્લા 27 વર્ષથી નોકરી કરે છે. રવિન્દ્રભાઇએ વર્ષ 1998 માં ગુરૂ દેવજી શ્રી પવનગરબાપુની કૃપાથી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. રવિન્દ્રભાઇ કોઈ પણ જાતના દાન વગર સેવાનું કામ કરી રહ્યા હતા.

રવિન્દ્રભાઈ ઘરે શાક, રોટલા, રોટલી, કઢી અને ભાત બનાવીને સોમનાથ મંદિરના પરિસરમાં આવેલા સાધુ-સંતો, ભિક્ષુકો અને મહાદેવના દર્શને આવેલા ભક્તોને વિનામૂલ્ય ભોજન કરાવીને માનવતા મહેકાવે છે. 25 વર્ષ પૂર્વે અન્નક્ષેત્રની શરૂઆત સાયકલ પર કરવામાં આવી હતી. સાયકલ પાછળ ટિફિન બાંધીને એક કિલોમીટર સુધી જમવાનું પહોંચાડતા હતા.

જે બાદ જી. ઈ.બી. ( જેટકો ) ના સ્ટાફે ત્રણ વ્હીલવાળી લારી તૈયાર કરી આપી હતી. પછી તેના મારફત ભક્તો માટે જમવાનું પહોંચાડવામાં આવતું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈના એક દાતાએ જમવાનું પહોચાડવા માટે એક વાન દાનમાં અર્પણ કરી છે. અત્યારે તેના મારફત સોમનાથ મંદિર પરિસર સુધી જમવાનું પહોંચાડવામાં આવે છે.

25 વર્ષમાં ચોમાસુ હોય કે શિયાળો કે પછી ઉનાળો કે તહેવાર હોય એક પણ દિવસ અન્નક્ષેત્ર બંધ રહેતું નથી. ક્યારેક બહાર જવાનું થાય તો પરિવારના અન્ય વ્યક્તિ પણ જમવાનું તૈયાર કરી સાધુ -સંતો સુધી પહોંચાડે છે. દરરોજ સાંજે 5 થી રાત્રીના 10 કલાક સુધી સોમનાથ મંદિર પરિસર પાસે અન્નક્ષેત્ર કાર્યરત રહે છે. અહી પ્રતિ દિવસ 250 થી 300 લોકો વિનામૂલ્યે જમવાનો લાભ મેળવે છે.

તેમને સંતાનમાં બે દીકરા છે. મોટો દીકરો રાહુલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે અને નાનો દીકરો દર્પણ ડોક્ટરનો અભ્યાસ કરે છે. દંપતીને આ સેવાકીય કાર્યના પગલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જિલ્લા વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ સહિત જુદી જુદી સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે.

Tags