ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો કેટલાય લોકોના મોત પણ ભેટતા હોય છે. ઘણીવાર વાહન ચાલકની બેદરકારીના લીધે પણ કોઈનો જીવ ચાલ્યો જતો હોય છે.
હાલ એક એવો જ મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં માતાની આંખો સામે જ 5 વર્ષના દીકરાને આઇસર ચાલકે કચડી નાખ્યો. અહેવાલો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન સિદ્ધાર્થ નગર વિસ્તારની અંદર રહેતા દિવ્યાંગ પ્રકાશ દેવીપૂજક ફ્રૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ તેમની પત્ની લતાબેન પણ ફૂટપાથ પર ફુર્ટ વેચીને પરિવારને મદદ કરવાનું કામ કરી રહ્યા હતા. અને તેમનો 5 વર્ષનો દીકરો અનમોલ ફૂટપાથ પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.
આ સમયે જ રોડની બાજુમાંથી ફૂટપાથ પર એક આઇસર ચાલક તેને પાર્ક કરી રહ્યો હતો ત્યારે જ તેને અનમોલને ટક્કર મારી અને માતાની આંખો સામે જ દીકરાને કચડી નાખ્યો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થઇ હતી. ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યો હતો. દીકરા પર ટેમ્પો ચઢી જતા તેની માતા પણ બેભાન થઇ ગઈ હતી.
અનમોલનાં માતા પિતા બંને દિવ્યાંગ છે. તેના પિતાને પગની તકલીફ છે તો માતા સાંભળી શકતી નથી. આવામાં આ દંપતી ફ્રૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે એકના એક દીકરાના મોતથી પરિવાર પણ તૂટી ગયો હતો, ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.