છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં આપઘાતના ઘણા બનાવો સામે આવ્યા છે. કેટલાક લોકો પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, આર્થિક તંગી તો કેટલાક ઘરકંકાસ અથવા તો બદનામીને ડરે આપઘાત કરતા હોય છે. ઘણા તો પારિવારિક ઝઘડાઓના લીધે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે.
ત્યારે આપઘાતનો એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક મહિલાએ ખોટા અફેરની અફવાને લઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ, સુરતના ઉમરામાં રહેતા જયદીપે તેમની જ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈની પત્ની કોમલબેન સાથે તેનું અફેર છે એવી અફવા ફેલાવી અને આ વાતની જાણ કોમલે તેના પતિને પણ કરી હતી. કોમલે પતિને જણાવ્યું હતું કે જયદીપના મમ્મી તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે તું સોસાયટીમાં લફડા કરે છે અને આખી સોસાયટીમાં તારી વાત વહેતી થઈ ગઈ છે.
કોમલે તેના પતિને એમ પણ જણાવ્યું હતું કે તેના કોઈ સાથે આવા કોઈ સંબંધો પણ નથી. બીજા દિવસે પણ કોમલે તેના પતિને આ વાત કરી હતી અને જણાવ્યું હતું કે જયદીપ તેની સાથે ખોટા અફેર હોવાની વાત સોસાયટીમાં ફેલાવે છે. જેના બાદ પતિએ સવારે પોલીસ ફરિયાદ કરવાનું કહીને સુઈ જવા માટે કહ્યું હતું. પણ કોમલના મગજમાં આ વાત ખુબ જ ખુંચતી હોવાને કારણે અને ખોટી બદનામીનો ડર સતાવી રહ્યો હતો.
જેને લીધે તેણે ગત 11 ફેબ્રુઆરીની રાત્રે જ પતિ અને બે વર્ષનું બાળક સુઈ રહ્યું હતું ત્યારે રસોડામાં જઈને તેણે ઓઢણી સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. જ્યારે બાળકના રડવાનો અવાજ આવતા પતિ ઉઠી રસોડામાં ગયો ત્યારે તેની પત્નીને જોઈ તેના તો પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે આ મામલે તેણે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને યુવકની ધરપકડ પણ કરી હતી.