અંગદાન ને મહાદાન ગણવામાં આવે છે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1081 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 452 કિડની, 193 લીવર, 8 પેન્ક્રીઆસ, 44 હૃદય, 28 ફેફસા, ચાર હાથ અને 352 ચક્ષુઓના દાનથી કુલ 993 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ મળવામાં સફળતા મળી છે.

ત્યારે હવે સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, વિનોદભાઈ એ માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી. 9 માર્ચના રોજ સવારે 5:30 કલાકે તેઓ બેભાન થઈ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફિઝિશિયન ડોક્ટર ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. જ્યારે દવાખાનામાં નિદાન માટે સીટી સ્કેન કરાવ્યું તો બ્રેનહેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું.

જ્યાં ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા, વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઇનડેડ છે અને તેમને બચાવવાની કોઈ શક્યતા નથી. ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. મળતી માહિતી મુજબ ઈન્ટેન્ટસીવીસ્ટ ડોક્ટર પ્રેક્ષા ગોયલ અને ન્યુરોફિઝિશિયન ડોક્ટર ગૌરાંગ ઘીવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો.

વિનોદભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી, ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી અને ત્યારબાદ પરિવાર પણ અંગદાન કરવા રાજી થયો હતો. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલ ને, ફેફસા સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લીવર સુરતની કિરણ હોસ્પિટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRC ને ફાળવવામાં આવી હતી.

આ દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 90 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, તેથી લોકો પોલીસનો પણ ખુબ આભાર માને છે.