ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે ખુબ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રખડતા ઢોરના લીધે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક વ્યક્તિનું રખડતા ઢોરના કારણે મોત થયું છે. આ બનાવ કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાંથી સામે આવી રહ્યો છે.

અહીં જુડવા દીકરાઓના જન્મદિવસના દિવસે રખડતા આખલાએ પિતાને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું દર્દનાક મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જીગ્નેશભાઈ દોશી હતું અને તેમની ઉંમર 48 વર્ષની હતી. હોળી અને ધુળેટીની રજા બાદ જીગ્નેશભાઈ ગાંધીધામ આવેલી પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસ પર જવા માટે નીકળ્યા હતા.

જીગ્નેશભાઈ પોતાની બાઈક લઈને ટાગોર રોડ પરના પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર રખડતા આખલા એ તેમને અડફેટમાં લીધા હતા. જેના લીધે જીગ્નેશભાઈ રોડ ઉપર ભટકાયા હતા. આ ઘટનામાં જીગ્નેશભાઈના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો તેમને તાત્કાલિક રામબાગ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ અહીં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જીગ્નેશભાઈનું મૃત્યુ થઈ ગયું હતું.

જીગ્નેશ ભાઈના પરિવારમાં પત્ની અને 3 દીકરાઓ છે. જેમાં બે જુડવા દીકરા છે. એકનું નામ મીત અને એકનું નામ મિહિર છે. બંનેના જન્મદિવસના દિવસે જિગ્નેશભાઇનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાઓનો જન્મદિવસ હોવાના લીધે જીગ્નેશ ભાઈ પોતાના પરિવાર સાથે સાંજે ઘરે કેક કટીંગ કરવાનું આયોજન રાખ્યું હતું. પરંતુ તે પહેલા જીગ્નેશભાઈનું મોત થતા દીકરાઓની જન્મદિવસની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું.
દીકરાઓના જન્મદિવસના દિવસે જ પિતાની અર્થી ઉઠતા ચારેબાજુ માતમ છવાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કચ્છમાં રખડતા ઢોરના કારણે નાની મોટી અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહે છે. રખડતા ઢોરના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત આવી ઘટનાઓ વધી રહી છે છતાં પણ કોઈ પણ મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી.