ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા બનાવો સામે આવે છે. જેમાં કોઈ પ્રેમ સંબંધને કારણે તો કોઈ અવૈદ્ય સંબંધને કારણે તો કોઇ પાર્ટનરના દગો આપવાને કારણે અથવા તો કોઈ આર્થિક તંગી કે માનસિક તણાવને લીધે આપઘાત કરી લેતું હોય છે.
ત્યારે હાલમાં ગોંડલમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. શેમળા ગામમાં આવેલ કારખાનામાં કામ કરતા એક યુવકે કારખાનામાં જ આવેલ ઓરડીના પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગોંડલના શેમળા ગામમાં આવેલ કોપર જેમ્સ નામના કારખાનામાં કામ કરતા મુકેશ પંચાલે કારખાનાની ચોરડીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી મુજબ મૃતક અપરણિત હતો અને તેના પરિવારમાં માતા પિતા અને 4 ભાઈઓ છે.
મૃતક કારખાનામાં છૂટક મજૂરી કરતો અને તે 8 દિવસ પહેલા જ પોતાના વતનમાં ગયો હતો. તે મોબાઈલમાં દુઃખ ભરી લાગણીના સ્ટેટસ પણ મુકતો હતો. યુવકે ગળે ફાંસો ખાતા પહેલા પણ સ્ટેટસ મૂક્યું હતું. જેમાં લખ્યું હતું કે ‘હું દર વખતે એજ વિચારું છું કે મારો તો શું વાંક હતો કે તું મને આમ અધવચ્ચે મૂકીને વઈ ગઈ…!’ ત્યારે હવે આ ઘટનાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીરાએ પોતાના ઘરે જ પંખાના હુંકમાં ચુંદડી વડે ગળે ફાંસો લીધો હતો. મૃતક માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. ત્યારે માનસિક બીમારીથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો હતો.