ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતા રમતા મોત થવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી વધુ એક એવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા એક યુવકનું અચાનક જ મોત થયું છે.
સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ મયુરભાઈ નટવરભાઈ મકવાણા હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. કહેવામાં આવી રહ્યું છે કે મયુરભાઈ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ગ્રાઉન્ડમાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ મયુરભાઈના મિત્રો તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મયુરભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
મયુરભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અહીં પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડતા નજરે પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજરોજ વહેલી સવારે મયુરભાઈ રવિવારની રજા હોવાના કારણે પોતાના મિત્રો સાથે રાજકોટના રેસકોર્સ ગાઉનમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.
આ દ્રશ્યો જોઈને તેમના સાથી મિત્રો તેમને બચાવવા માટે દોડીને તેમની પાસે પહોંચી ગયા હતા અને પછી તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મયુરભાઈને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને શાંતિભાઈ પરમાર નામના વ્યક્તિએ જણાવ્યું કે, મયુર મારો ભાણો થતો હતો. તે રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા માટે જતો હતો.
તેને કોઈ પણ જાતની બીમારી પણ ન હતી અને તેને કોઈપણ જાતનું વ્યસન પણ ન હતું. આજરોજ ક્રિકેટ રમતી વખતે તેને થોડીક ગભરામણ થઈ હતી પરંતુ તેને કોઈને કંઈ કહ્યું નહીં. ત્યારબાદ તે સ્કુટી પર બેસી ગયો હતો. ત્યારે અચાનક જ તે જમીન પર ઢળે પડ્યો હતો. પછી તેના મિત્રો તેને 108 ની મદદથી ગિરિરાજ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.
પરંતુ અહીંથી મયુરને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મયુરને મૃત જાહેર કર્યો હતો. મયુર ભાઈના મૃત્યુના લીધે એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મયુરભાઈ સોની કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.