ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે શનિવારના રોજ ગાંધીનગરમાં બનેલી એક કાળજુ કંપાવી દેતી અકસ્માતની ઘટના બની હતી. ગાંધીનગર જિલ્લાના દેહગામના હરખજીના મુવાડા પાસે ડમ્પરની જોરદાર ટક્કરના લીધે દોહિત્ર અને નાનાનું મોત થયું હતું.

જ્યારે આ અકસ્માતની ઘટનામાં નાની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે સૌથી પહેલા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નાની અને દીકરીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ પરિવારના 4 સભ્યોની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબેકે ચડ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો દેહગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામે રહેતા જીતેન્દ્રસિંહ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમના પરિવારમાં તેમના માતા જશોદાબેન, પિતા તરખસિંહ અને બહેન હિરલ હતી. બહેન હિરલને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે શૈલેષકુમાર બળદેવભાઈ બારૈયા સાથે પરણાવેલ હતી. આ લગ્નજીવનથી તેનો 5 વર્ષનો દીકરો મયુર હતો. છેલ્લા ચારેક મહિનાથી હિરલ પોતાના દીકરા મયુર સાથે પિયરમાં રહેતી હતી.

શનિવારના રોજ તખતસિંહ પોતાની પત્ની જશોદાબેન દીકરી હિરલ અને 5 વર્ષના દોહિત્ર મયુર સાથે બાઈક લઈને ખરીદી કરવા માટે નીકળ્યા હતા. માર્કેટમાંથી ખરીદી કરીને તેઓ બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજા પહોંચવાના લીધે 5 વર્ષના મયુરનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
જ્યારે તખતસિંહ, તેમની પત્ની જશોદાબેન અને દીકરી હિરલને 108 ની મદદ થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેયની સારવાર શરૂ કરી દીધી હતી. પરંતુ હાલત વધુ ગંભીર હોવાના લીધે તખતસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત થયેલી મા દીકરીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સોલંકી પરિવારના ચાર સભ્યોના મોત થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ગામમાં એક સાથે ચાર અર્થી ઉઠતા મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા અને અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.